આ બધાની જેમ હું તખ્તા ઉપર આવી ગયો
ક્યાં ખબર છે કેમ હું તખ્તા ઉપર આવી ગયો
મુખવટાઓ આપણા નકકી કરે બીજું કોઈ
શાપ છે કે રહેમ હું તખ્તા ઉપર આવી ગયો
આવડે કે નહી અભિનય એ ખબર ક્યાં છે મને
જેમ ફાવ્યું એમ હું તખ્તા ઉપર આવી ગયો
ક્યાંક રહી પડદાની પાછળ મંચની સજ્જા કરી
આમ નહી તો તેમ હું તખ્તા ઉપર આવી ગયો
લોક તાલીથી વધાવે જે ક્ષણે પડદો પડે
એટલી લઇ નેમ હું તખ્તા ઉપર આવી ગયો
વિશ્વ રંગભૂમિ દિવસ નિમિતે
- ઉર્વીશ વસાવડા
No comments:
Post a Comment