Thursday, 30 March 2017

ગઝલ

*પલ | હૃદયનો સીધો અનુવાદ*

ટેરવે ટશિયા ફૂટે છે એટલે લખવું પડે છે,
શબ્દની ધીરજ ખૂટે છે એટલે લખવું પડે છે.

શબ્દને ડૂમો વળે છે, અર્થ ભીનું ભાંભરે છે,
શાયરી છાતી કૂટે છે એટલે લખવું પડે છે.

આંખ પર ડૂચો દબાવી સ્વપ્નને એ ઠાર મારે,
આશકી ગરદન ઘૂંટે છે એટલે લખવું પડે છે.

ક્રૌચપક્ષી જેમ બેઠા 'તા અમે પાંખો પરોવી,
તીર અણધાર્યા છૂટે છે એટલે લખવું પડે છે.

સૌ કહે છે : "વાહ ! કેવું મસ્ત ને સારું લખો છો !!"
ખાનગી ઘટના તૂટે છે એટલે લખવું પડે છે.

*આલાપ*
#CM_Sarkaar

No comments:

Post a Comment