Saturday, 29 April 2017

ગીત

------------ગીત ---------
આપણે ગાયેલાં ગીત સખી,
---મધરાતે અંતરમાં  વાગે.

સૂતેલી ચેતના સળવળતી થાય,
---તારી યાદ પછી સાદ થઈ જાગે !

વાયદાના કાળમીંઢ ડુંગર ખસે,
---હું તો કળીમાંથી ફૂલ બની ખીલું.

સરગમની ગૂંજતી મોજીલી મહેફિલમાં,
---મીઠાં ગીતોનાં ઝૂલણાએ ઝૂલું.

સદીઓથી ભીડેલી ઉઘડે લાગણીઓ ,
---દવ શીતળ સમીર સમો લાગે.
---તારી યાદ પછી સાદ થઈ જાગે!

કલાપીને કંઠે તને છલકાતી જોઉં પ્રિયે ,
---કોકિલાને કંઠે તને સૂણું.

વીતેલા વખતનું ઓશિકું માથાં નીચે,
---લાગે છતાંયે એ કૂણું -કૂણું.

ભાંગતી રાતને ઓરડે અંધાર ,
---સૂના ઢોલિયાની  સેજ મને ભાંગે.
---તારી યાદ પછી સાદ થઈ જાગે!

પગરવ સંભળાય હડી કાઢી દોડું પ્રિયે ,
---ઝળહળ કંઈ થાય હું તો ખૂલું.

ચાંદનીમાં દોડી જઈ જાતને ઝબોળું ,
---હું તો ભાન-શાન-માન બધું ભૂલું.

મીઠા ઉજાગરાની ગમતીલી રાતો,
---ઓલો ચાંદલિયો  મારી પાસે માંગે.
---તારી યાદ પછી સાદ થઈ જાગે!
---------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
----------------------------------------

No comments:

Post a Comment