Thursday, 25 May 2017

ગઝસ

સ્વપ્નને પાંપણ વિશેની વાત સાંભળવી હતી !
કે પછી વળગણ વિશેની વાત સાંભળવી હતી !

આછરેલા નીર પર હળવે હવા હિલ્લોળતી,
એ મદીલી ક્ષણ વિશેની વાત સાંભળવી હતી !

આંસુ લૂછ્યા જે રૂમાલે ક્યાં હજી સૂકાય છે ?
દર્દના કારણ વિશેની વાત સાંભળવી હતી !

આંગળી પકડી ચલાવે કોણ એ અંધારમાં,
બોલકી પાંપણ વિશેની વાત સાંભળવી હતી !

કાળજું વીંધી જતો અસવાર જ્યાંથી નીકળ્યો,
એ નગરના જણ વિશેની વાત સાંભળવી હતી !
*** નિશિ ***

No comments:

Post a Comment