Thursday, 25 May 2017

ગઝલ

રણ વચાળે રણ વિશેની વાત સાંભળવી હતી
યુધ્ધનાં કારણ વિશેની વાત સાંભળવી હતી

આ નગરનાં લોક લડતાં જાય ને હું મૌન છું
બસ મને હણહણ વિશેની વાત સાંભળવી હતી

સાવ ખાલી થૈ જવું સ્હેલું નથી એ જાણવાં
અધમરી માંગણ વિશેની વાત સાંભળવી હતી

આ હૃદયનો એક કટકો મેં વળાવ્યો એ પછી
પારકી થાપણ વિશેની વાત સાંભળવી હતી

એટલે ખોલીને બેઠી હું ય અલ્મારી જૂની
આજ બસ રણઝણ વિશેની વાત સાંભળવી હતી

તેં જે પેટારે પૂરેલી વારતાનાં અંતમાં
ભૂખની ડાકણ વિશેની વાત સાંભળવી હતી
                   કવયિત્રી - પ્રજ્ઞા વશી
                                    સુરત

No comments:

Post a Comment