Saturday, 1 July 2017

ગીત

ધોધમાર વરસાદ મહીં જા... તને મળે સાંવરિયો
મને મુબારક ચાતક, સહરા
તને મુબારક દરિયો.......

સાવ અવાવર એકલતાની બારી ખોલુ-વાસુ
નહીં કહેલી વાતોમાંથી ઉગી ગયું ચોમાસું
મારે ફળિયે વરસે તડકો, તારે ફળિયે નદીઓ
મને મુબારક ચાતક, સહરા
તને મુબારક દરિયો........

સાદ ભરેલા ટહુકાઓનુ લીલું તોરણ ગૂંથુ
બારસાખ પર યાદોનું ઘર કોને જઈને પૂછું?
રસ્તે રસ્તે તને ભીંજવે રાવ બની શ્રાવણીયો
મને મુબારક ચાતક, સહરા
તને મુબારક દરિયો........

સાત જનમની પ્રીત પાંગરે  હૈયે થઇને અવસર
તને પોખવા આવે સૂરજ, સુખમય રાખે જીવતર
તારે પગલે હરિયાળુ વન, તડકો પણ વાદળીયો
મને મુબારક ચાતક, સહરા
તને મુબારક દરિયો.........

.....વર્ષા પ્રજાપતિ ઝરમર

No comments:

Post a Comment