Saturday, 29 July 2017

ગઝલ

ઊડતા રહો છો શાને તમે આટલા હવામાં?
નહીં વાર લાગે સ્હેજે સાચે ઊડી જવામાં!

કૈં કેટલાં યે થોથાં ઊથલાવતા  રહો છો;
ઊણાં જ ઊતર્યા છો બે આંખ વાંચવામાં;

દેખાતું હોય છે એ હોતું નથી હંમેશા;
એથી જ ચૂક થાતી માણસને માપવામાં!

ધીરજથી કામ લઈએ, ગમતું જ સહુને કહીએ;
ગુમાવતા બધુંયે બહુ આકરા થવામાં!

જીવાડી ક્યાં શકે છે? મરવા ય નથી દેતી!
એવું તે શું ભળ્યું છે આ આપણી દવામાં?

લ્યો, તકલીફોની સામે આબાદ હું ટક્યો છું;
ખોટા પડ્યા છે તેઓ ભાવિને ભાખવામાં!

હિંમતથી રાત કાળી આખી અમે વીતાવી!
ક્યાં વાર છે હવે તો ભળભાંખળું થવામાં?!

: હિમલ પંડ્યા
 

ભળભાંખળું : dawn, વ્હેલી સવાર

No comments:

Post a Comment