Friday, 14 July 2017

ગીત

***
ગીત    -પ્રકાશ પરમાર

પર્વત પરથી અંગડાઈ લઇને ઉતરતી કેડી જાણે નદી બનીને ખળખળ વહેતી..!
ઓણુકા વરસાદમાં આ મારા ફળિયાની શેરી જાણે નદી બનીને ખળખળ વહેતી..!

પર્વત માથે ફળિયા બાંધી ઊભા કાળીભમ્મરીયાળી વાદળીઓના
કદીક ચમકતી વીજલડીના તેજલીસોટે ધ્રૂજતાં છોગા વાદળીઓના
આભ આંબતા તરુવારોના કાનમાં જઇ સુસવતી હવા કંઈકંઈ ગણગણતી ..!
પર્વત પરથી અંગડાઈ લઇને ઉતરતી કેડી જાણે નદી બનીને ખળખળ વહેતી..!

છબછબિયાંમાં નહી સમાતો ભૂલકાંનો ઉન્માદ કાગળની હોડી થઇ તરતો
નેવલાંઓ ધોધ બની ખાબકતાં નીરનો વેગ હવે ઉચાટ થઈ અવતરતો
લીલોછમ અવસાદ બનીને હેલી લથબથ સાંગોપાંગ બધુંયે કરતી રહેતી ...!
ઓણુકા વરસાદમાં આ મારા ફળિયાની શેરી જાણે નદી બનીને ખળખળ વહેતી..!

પર્વત પરથી અંગડાઈ લઇને ઉતરતી કેડી જાણે નદી બનીને ખળખળ વહેતી..!
ઓણુકા વરસાદમાં આ મારા ફળિયાની શેરી જાણે નદી બનીને ખળખળ વહેતી..!
(સુરત)

No comments:

Post a Comment