એક વરસાદી ગીત...
ઓ રે ! ઓ મેહુલિયા ! લ્યા, વરસી જા,થઈને તું એ નફ્ફટ !
દેખું તારો ચાળો ને દેખું તારો કેવો રૂપાળો છે વટ્ટ !
વનની વનરાઈ થરથર કાંપે ને હાંફે છે નવખંડો,
મોડો મોડો લ્યા ! આયો તો , ખાશે તુું ડઘરી ડોશીનો ડંડો !
વગડાની વાટો ને શ્હેરોની સડકો છે કોરી ને કટ્ટ !
ઓ રે ! ઓ , મેહુલિયા! લ્યા વરસી જા ,થઈને તું એ નફ્ફટ !
પેલો મોરલિયો નાચી નાચી થાક્યો ને રિશાણી છે એની ઢેલ ,
કૂં... હૂં...કૂં...હૂં...કરતી કોયલડી બેસી જોવે તારા આ ખેલ !
કોરા છે ખેતરના શેઢાને કોરી છે નદિયુંના પટ્ટ !
ઓ રે ! ઓ , મેહુલિયા ! લ્યા વરસી જા ,થઈને તું એ નફ્ફટ !
ખેતર ખેડીને વાવી દીધા છે મે તો સોનેરી બીજ ,
રૂણઝૂણ કરતા આભે ના દેખાણા તારા વાદળ ને વીજ
દાવ હવે તારો તું લઈને કહી દે ઉનાળાને કે લ્યા હટ્ટ!
ઓ રે ! ઓ , મેહુલિયા ! લ્યા વરસી જા , થઈને તું એ નફ્ફટ !
એ...લા...કાળિયો ને ધોળિયો હળ લઈને જૂએ તારી વાટ !
સુરજની સાથે શું તું એ અલ્યા રમવા બેઠો ચોપાટ ?
ઝરમર વરસીને ભીંજવી દે ગોરીની રૂપાળી લટ્ટ...
ઓ રે ! ઓ , મેહુલિયા ! લ્યા વરસી જા , થઈને તું એ નફ્ફટ !
" વિસ્મય " શૈલેશ ચૌહાણ ...
No comments:
Post a Comment