સાંજુકા અવઢવના ઓટે થયા કરે છે મને
સખીરી ! ગઝલ લખું કે તને
સપનાની સરવાણી થઈને મળ્યા કરે છે મને
સખીરી ! ગઝલ લખું કે તને..
વાટ્યું જોઈ હવે સખત આ આંખો ગઈ છે થાકી
તારા વિરહે તપી -તપીને પીડ ગઈ છે પાકી
અમથી આશાએ તું શાને ભર્યા કરે છે મને
સખીરી ! ગઝલ લખું કે તને..
મીઠી સઘળી યાદોને હું તો ગજવામાં રાખું
કડવી - કડવી પળમાં એને થોડી- થોડી ચાખું
વધુ મારાથી મારી ભીતર જડ્યા કરે છે મને
સખીરી ! ગઝલ લખું કે તને..
તું છો સાથી, તું સંગાથી ; ભવ - ભવની છે માયા
દેહ અલગ પણ એક જ જોને આપણનાં પડછાયા
નહીં ઉતરે રંગ તારો જે ચડ્યા કરે છે મને
સખીરી ! ગઝલ લખું કે તને..
- શબનમ
No comments:
Post a Comment