Saturday, 1 July 2017

ગઝલ

હવે  આપણે  સામસામે  રહીએ,
યા ગેબી ગઝલના વિસામે રહીએ.

તડીપાર જણ છું હું તારા મુલકનો,
તું  બતલાવ કે કિયા  ગામે  રહીએ.

પુકારે  છતાં  કોઈ  પામે કશું નહિ,
ન ઓળખ કશી એવા નામે રહીએ.

હું તારી ફિકરમાં તું મારી ફિકરમાં,
પરસ્પરના કેવળ  ઉધામે  રહીએ.

રહી ક્યાં શક્યા અર્થની અટકળોમાં,
ન  ધર્મે , ન  મોક્ષે,  ન  કામે રહીએ.

શબદની હો જાહોજલાલી જ્યાં કેવળ,
કદી  એવા  તકિયાકલામે  રહીએ.

અમે તારે નામે રહ્યાં તો ખરાં ,પણ,
હવે   નામના   નામઠામે    રહીએ.

           ભરત ભટ્ટ

No comments:

Post a Comment