ખૂટી ગયા શ્વાસ ને ખૂટી રહી જિંદગી,
અટકો હવે મેઘજી, વિનવી રહી જિંદગી.
તારો બધે શોર છે, તારું બધે જોર છે,
તારી બધી વાતમાં મૂંગી રહી જિંદગી.
બીજું કશું ના બચ્યું, ખુદને હવે સાચવું,
તેથી તો આ કાષ્ઠને વળગી રહી જિંદગી.
માથે હતી છત... ગઇ, કેવળ અછત રહી ગઇ,
કેવી રીતે જીવશું? પૂછી રહી જિંદગી.
વરસે તું જો માપનું, અમને ઘણું કામનું,
રાખ્યું નથી માપ તેં, ડૂબી રહી જિંદગી.
પાંપણ ઉપર જળ હતું, આંસુ હતું આંખમાં.
કોને ખબર શું હવે લૂછી રહી જિંદગી.
– કિરણસિંહ ચૌહાણ
No comments:
Post a Comment