એક નવી તાજી ગઝલ
ગાગાલગાલગાલ લગાગાલલગા
⬇
ગઝલ : વિજય રાજ્યગુરુ
ઊભા થવું હતું ને થવાયું જ નહીં,
મંજિલ સુધી કદી ય જવાયું જ નહીં.
પથ્થર બની ગયું છે નગરમાં જ રહી,
દિલ, જોઈ રક્તપાત ઘવાયું જ નહીં.
એના ગયા પછીથી કદી આંગણમાં,
સૂરજમુખીનું બીજ વવાયું જ નહીં.
વર્ષો પછી વતનમાં ગયો હોંશભર્યો,
સામે હતું તે બોર ખવાયું જ નહીં.
ગાયું 'તું સાથસાથ યુગલગાન કદી,
એ ગીત એકલાથી ગવાયું જ નહીં.
લીલાં પરણનો વર્ણ થયો પીત છતાં,
વાદળ ગગનમાં ક્યાંય છવાયું જ નહીં.
ફૂટપાથ પર લગાર નજર સ્હેજ પડી,
ભૂખ્યો હતો છતાંય ચવાયું જ નહીં.
સુકાયું પારિજાત, રડી આંખ છતાં;
ઝારીનું જળ જરા ય પવાયું જ નહીં.
જન્મોજનમથી રાહ નિહાળ્યા જ કરી,
ને આવનારથી ય અવાયું જ નહીં.
વર્ષોથી અંધકાર ગુફામાં સબડે,
ભળભાંખળું કદી ય લવાયું જ નહીં.
010717
No comments:
Post a Comment