Tuesday, 8 August 2017

ગીત

સાદ આપો તો મળવાને આવીયે
ઈચ્છાની હોડીમાં દરિયો ભરીને અમે પાંપણને રસ્તે રેલાવીયે...
સાદ આપો તો મળવાને આવીયે

તોફાની વાયરાની છાલક અડી, ને મારું હૈયું તો હિંલ્લોળે ચડતું
કોને કહું કે મારી આંખોની આરપાર નીતરતું આભ નથી જડતું
દૂર દૂર ઠેલાતા વાદળીયા તડકામાં
આવો તો ચોમાસું વાવીએ
સાદ આપો તો મળવાને આવીયે

આંખોનું નામ અમે પાડ્યું છે બારસાખ,પાંપણ ઉઘાડ-વાસ બારી
વહેલી પરોઢે મારા ફળિયામાં કલરવતી ઝાકળની પહેલી સવારી
સૂરજ સંગાથ દીધો સંદેશો આજ,રાજ આવો તો જીવતર ઉજાળીયે
સાદ આપો તો મળવાને આવીયે

પીડાના તળિયામાં તરફડીયા મારતી આ માછલીને કયાંય નહીં આરો
નદીઓના દેશમાં જ ઉછરેલો દરિયો તો આજે પણ બેઠો કુંવારો
કુંવારી લાગણીને મનગમતા શમણાંમાં આવો તો પોઢણ કરાવીએ
સાદ આપો તો મળવાને આવીયે
......વર્ષા પ્રજાપતિ ઝરમર

No comments:

Post a Comment