મીઠડું ભારણ હશે તો ચાલશે,
ફોરતો ફાગણ હશે તો ચાલશે!
ધારવું જે હોય ધારે આ જગત,
પ્રેમનું તારણ હશે તો ચાલશે.
નંગ, દોરા, મંત્ર જાપો ના ખપે,
આંખનું કામણ હશે તો ચાલશે.
છોને સૂકી, સાવ આ દુનિયા રહી,
બસ તરલ પાંપણ હશે તો ચાલશે.
મેઘ ખાંગા હોય ના તો શું થયું?
તરબતર શ્રાવણ હશે તો ચાલશે.
ના કપૂતોની ખપત આ દેશને,
મા ભલે વાંઝણ હશે તો ચાલશે.
જર, ઝવેરાતો, કનક ના જોઇએ,
વ્હાલનું આંટણ હશે તો ચાલશે.
ડો જિજ્ઞાસા
No comments:
Post a Comment