સગપણો શીખી લઉં છું પાણિયારે
આખું ઘર સીંચી લઉં છું પાણિયારે.
આપણા સંબંધનો દીવો કરું છું
હું તને જીવી લઉં છું પાણિયારે.
આ ઘડામાં જળ નથી પણ જીવ છે, જો !
જીવતર ઝીલી લઉં છું પાણિયારે.
કો’ક વેળા એકલી થઈ જાઉં છું તો
પનઘટો તેડી લઉં છું પાણિયારે.
માટલું છે સ્વચ્છ નિર્મળ નીર પણ છે
લાગણી ગાળી લઉં છું પાણિયારે.
માત્ર જળને ગાળતાં શીખી નથી હું
જાત ઑગાળી લઉં છું પાણિયારે.
છે ઉપરછલ્લી રમત જળને પીવાની
ગમ ઘણાયે પી લઉં છું પાણિયારે.
~ ગાયત્રી ભટ્ટ
No comments:
Post a Comment