Wednesday, 25 October 2017

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

કૂંડાંનું ફૂલ

મ્હેક મ્હેક મ્હોરેલાં ફૂલ પર ટપ દઈ વરસાદી
ફોરાંનું પડવું ને કૂંડાંનું ફૂલ બની જાય ઓલી છોકરી.

રોમ રોમ ઉછળતું અમળાતું આસપાસ
ખળખળતું ગીત સાવ મૂંગું વછૂટી.
કમળની નાળમાં જલનાં તરંગ લઈ હલબલતી
રણઝણતી ક્ષણ જાય છૂટી.
થાય એવું ફરરર ઉડવું કે આકાશે ચૂગવું પણ છીપલીમાં જડવુંને કૂંડાંનું ફૂલ બની જાય ઓલી છોકરી.

વહેવું કે રહેવું કે સહેવુંની અવઢવમાં અટવાતી જાય લાલ ચૂંદડીની ફગફગતી લ્હેર.
ધારદાર નજરિયા તગતગતી ધગધગતી જાય
લીલાં પીંછાંમાં લંબાતી ઈચ્છાની સેર.
શેરીથી ઉંબર તક વાતોના વંટોળીએ ચકકરાતું ધૂમ્મસનું ચડવુંને કૂંડાંનું ફૂલ બની જાય ઓલી છોકરી.

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment