પથ્થરોનાં પેટ ફાડી આપણે ઝરણાં થયાં,
આખરે તો ઝાંઝવાનાં તોય આ હરણાં થયાં.
રંગ પીડાનો કદી ના આપણે પરખી શક્યા,
આપણા જખ્મો ય પહેલાંથી જ ઘઉંવરણા થયા.
કોણ જાણે શ્વાસ કોની વાટમાં ખૂટી ગયા !
કોણ જાણે કોનાં કાજે પંડ પાથરણાં થયાં !
ઓથ આપી એક ડુંગરને છુપાવ્યો જ્યારથી,
તુચ્છતાની હદ વટાવી આપણે તરણાં થયાં.
થઇ ગયાં અજવાસનાં સૌ બંધ બારી - બારણાં,
ચંદ્ર ને સૂરજ પછી તો ફક્ત ચાંદરણાં થયા.
- બાબુલાલ ચાવડા 'આતુર'
No comments:
Post a Comment