હું જ વૃક્ષોને હું પોતે ડાળ હોઉં છુ.
હું જ કુહાડીને હું પોતે કાળ હોઉં છું.
છું નવોઢાનું હું શમણું રાતનું વાંઝિયું,
ફૂટેલી વેશ્યાને કમ્ખે ગાળ હોઉં છું.
હું સતત દોડુ ને હાંફુ છું સમય સાથે,
હું જ ઘોડો ને હું પગની નાળ હોઉં છું.
સોને મઢયો દ્વારિકાનો નાથ હું છું પણ,
મુઠ્ઠી તાંદુલ, કાજ હું કંગાળ હોઉં છું
શોધતો હું ઉકરડામા રોટલી ભુખ્યો,
હું જ મંદિર પીરસાતો થાળ હોઉ છું.
માનતા રાંદલ દેરે હું વાંઝણી માની,
હું જ માના ખોળે રમતું બાળ હોઉં છું.
હું જ દરીયો વ્હાલનો ને હું નદી આંખે,
હું હરણને હું જ રણ રેતાળ હોઉ છું.
હું જ ટીપુ તેલનું દોહ્યલું ગરીબોનું,
આરતીમાં રોજ હું દિપમાળ હોઉં છું.
ભીતરે ક્યારેક તો તું જોઈ લે મનવા,
હું જ દિલના સાતમાં પાતાળ હોઉં છું.
શૈલેષ પંડ્યા....... નિશેષ.... (જામનગર).
No comments:
Post a Comment