Thursday, 12 October 2017

ગીત

ક્યાંક પૃથ્વીને ઊગતી ભાળું તો
ભાઈ,મારા ઘરની દીવાલ સહુ તૂટે.

ઊંડે ધરબેલ મારો પાયો આકાશમાં
ને પથ્થર તો પરપોટા, ફીણ,
તેજ કેરા દરિયામાં તરતી નિહાળું
મારા  અંતરની  અંધારી ખીણ;
ક્યાંય આઘે આઘેથી મને ભાળું તો
ભાઈ,મારા પડછાયા પંડના છૂટે.

અધખૂલી આંખમાં ઊગે સવાર
વળી,નિંદરનું ઘેન મને ઘેરે,
ઝંખેલા  રૂપને  ઝીલું  ઝીલું  ને કોઈ
રૂપને  વિરૂપમાં  વિખેરે;
ક્યાંક એવો ઉજાશ લઈ આંજું કે
ભાઈ,મારાં સૂતાં કમળદળ ફૂટે.

– મકરંદ દવે

No comments:

Post a Comment