Thursday, 12 October 2017

ગીત

સૂડો ને એક સૂડી !
આકાશે  ઊડતા જોવા હું પતંગ થઈને ઊડી,

લીલવણી પાંખે નભ આખુ સહજ કરી ઉપાડે !
સુરજની સાખે આખો દિ' સાતે વચન નિભાવે !
જોટો જગમાં જડે ન એવી જોઈ જુગત જોડી ,
સૂડો ને એક સૂડી !

એની રાતી આંખે વ્હાલપ પોશપોશ છલકાતી ,
પાસપાસ ઉડતા પણ એની પાંખ નથી અથડાતી !
ટહુકે ટહુકે છોડે મીઠી લાગણીઓની ઝૂડી !
સૂડો ને એક સૂડી !

સાવ અચાનક પાસે આવી સુડો સૂડી ટહુક્યા ,
વચન સૂણી મારા હૈયાના ઓરતડા સહુ તુટ્યા ,
મૈત્રી કરીશું, પહેલા તારો દોર નાખને તોડી !
પતંગ થઈને ઊડી !!

નેહા પુરોહિત

No comments:

Post a Comment