Sunday, 19 November 2017

અછાંદસ

સૂરજ નામે ભંગારિયો..
દરરોજ પ્રકાશની રેંકડી લઈને
મારા ફળિયાથી પસાર થતાં, હાંક મારે -
"એઈઇઇ...ને.. છે કોઈ ભંગાર અંધારાનો ?
આપવી છે કોઈને ભાંગી તૂટી રાત ?
બટકેલા, નંદવાયલાં સ્વપ્નો વેંચવા છે ?
માદક ક્ષણોની અંતરંગતા
પડી હોય ભંડકિયે, તો કાઢો કોઈ..
વેંચી નાખો આંસુના ટીપાં,
જામી ગયેલી પ્રતીક્ષા અને ઉજાગરાં..
લઇ લ્યો - લઇ લ્યો.. બદલામાં,
એટલા જ જોખની રોશની - લઇ લ્યો !"
પછી મારી પાસે ઊભો રહીને પૂછે,
"કેમ, આપો છો ને આજે
ફસકી ગયેલો અતીત.. રફિયાના ભાવે ?
વહેંચતા થાકી ગયા હો
એવી કવિતાઓ આપવી છે પસ્તીમાં ?
તમે તો મારા કાયમી ઘરાક !
તમને થોડી વધુ હૂંફ આપી દઈશ.
અને, પ્રેમ પણ આપીશ ભારોભાર
જરાય દંડી નહિ મારું - બસ !"
હું હંમેશની જેમ મૂંઝાઉં..
મારે રાતના ભીના અંધારમાં
તારી ખુશ્બૂ ઓગાળવી છે.
તૂટેલાં સ્વપ્નાઓના ચણકતાં કટકાંઓને
ટાંકવા છે આભલાંની જેમ - જીવતરના કમખે !
માદક ક્ષણોને
જૂની શરાબની જેમ પીવી છે ઘૂંટડે ઘૂંટડે !
આંસુના ટીપાં ઝીલવા તો
કૈક કોરી હથેળીઓ તત્પર છે.
ઉજાગરાને કાજળની જેમ
આંજવાની ટેવ હજુ છૂટી નથી.
હું દરરોજ કહું સૂરજને -
"ભાઈ, તું રહેવા દે..
આ ખાલીખમ અતીતને મારી પાસે,
એની ભેજવાળી વાસ મને સદી ગઈ છે !
મને આ મારો
'કહેવતો' ભંગાર વેંચવો નથી."

~~~કુમાર જિનેશ શાહ~~~

No comments:

Post a Comment