Saturday, 4 November 2017

ગઝલ

ગઝલ :- મારણ હશે તો ચાલશે.
-------------------
દર્દ કેરા કણ હશે તો  ચાલશે.
તરબતર આ રણ હશે તો  ચાલશે.

લાગણીના ફૂલને ઊંચકી જશું ,
ભાર કંઇ બે મણ  હશે તો  ચાલશે.

જેટલો ગુસ્સો કરો , ગુસ્સા મહીં,
સ્હેજ પણ સગપણ  હશે તો  ચાલશે.

એમ ના દોડ્યા કરો કંઇ સ્વાર્થમાં ,
હેતનું વળગણ  હશે તો  ચાલશે.

પ્રેમને જાહેર કરવામાં ભલા ,
બોગદું કારણ  હશે તો  ચાલશે.

હું મને અંતર સુધી જોઈ શકું ,
એવડું દર્પણ  હશે તો  ચાલશે.

હું ય પણ માણસ અને માણસ છું બસ ,
એટલી સમજણ  હશે તો  ચાલશે.  

આંખમાં ચાલો 'ધમલ'જોયા કરી ,
એ પછી મારણ  હશે તો  ચાલશે.
          - દેવેન્દ્ર ધમલ

No comments:

Post a Comment