Saturday, 4 November 2017

૪, રચના

*સમ્રાટ અશોક વિરક્તિ*

અશોકનો મોટો ભાઈ સુસિમ તે સમયે તક્ષશીલાનો પ્રાંતપાલ હતો. તક્ષશીલામાં ભારતીય-યુનાની મૂળના ઘણા લોકો રહેતા હતા. એટલે તે ક્ષેત્ર વિદ્રોહ માટે ઉપયોગી હતું. સુસિમનું અકુશળ શાસન આ વિદ્રોહનું કારણ બની ગયું. રાજા બિન્દુસારે સુસિમના કહેવાથી અશોકને વિદ્રોહનું દમન કરવા મોકલ્યો. અશોકના આગમનના સમાચાર સાંભળતા જ વિદ્રોહીઓનો વિદ્રોહ આપમેળે શાંત થઈ ગયો. અશોકના શાસનકાળ દરમિયાન પણ તક્ષશીલામાં ફરી વિદ્રોહ થયો હતો જેને બળપૂર્વક દબાવી દેવા આવ્યો હતો.

*છંદ : તુંવેરી દોહા*
*(તક્ષશિલાથી નિર્વાસિત)*

ભડકે બળતો ભાઈ ત્યાં, આખો ઈર્ષ્યા આગ,
તોળ્યો સત્તા ત્યાગ, ભૂંડા જેવો ભાવલા ||

પક્ષે લેતો જ્યાં પિતા, ચતુર ચાલતો ચાલ,
ધરી કપટની ઢાલ, ભૂંડા જેવો ભાવલા ||

અશોકની સિદ્ધિથી તેના ભાઈ સુસિમને સિંહાસન મળવા પર ખતરો વધી ગયો. તેણે રાજા બિંદુસારને પોતાના પક્ષમાં કરી અશોકને નિર્વાસિત કરી દિધો.

*છંદ : છપ્પય*
*(કૌર્વકી પ્રણય)*

ગમન કરંત અશોક, કૌર્વકીને જ્યાં મળતો,
ગમન કરંત અશોક, કૌર્વકી પ્રેમે ભળતો,
ગમન કરંત અશોક, કૌર્વકીની માંગ ભરે,
ગમન કરંત અશોક, કૌર્વકી પત્ની કરે,
ભાગ્યનું કો'ના ભાખતા, લખ્યું ના બદલાય,
જે થાવાનું થૈને રહે, જયારે વા'ણું વાય.

અશોક નિર્વાસિત થયા બાદ કલિંગમાં આશરો લીધો.
જ્યા તેને મત્સ્યકન્યા કૌર્વકી સાથે પ્રણય થયો. હાલમાં મળેલ પ્રમાણ અનુસાર અશોકે તેને પોતાની બીજી કે ત્રીજી રાણી બનાવી હતી. પણ કહેવાય છે કે ભાગ્ય કોઈ ભાખી શકતું નથી. એમ અશોકનાં ભાગ્યમાં પણ કંઈક અલગ જ લખ્યું હતું. આની વચ્ચે ઉજ્જૈનમાં વિદ્રોહ ફાટી નીકળ્યો એટલે નિર્વાસિત અશોક્ને પરત બોલાવવામાં આવ્યો.  નિર્વાસન દરમિયાન અશોક બૌદ્ધ સન્યાસીઓ સાથે રહ્યો જેથી તેને બૌદ્ધ વિધિ-વિધાનો તથા શિક્ષાઓ વિશે જાણવા મળ્યું. ત્યારબાદ એનાં રાજા બન્યા પછી થયેલું કલિંગનું યુદ્ધ એનાં  હ્ર્દય પરિવર્તનનું કારણ બન્યું અને એ બૌદ્ધ ધર્મ તરફ વળ્યો.

*છંદ : હરિગીત*
*(સમ્રાટ અશોક વિરક્તિનું ગીત)*

સાવજ સમો રાજા મગધનો કોઈ એવું થાય ના,
સમ્રાટ બીરૂદનો અશોકા વાણીએ વરણાય ના,
સર ધડ અલગ કરતો પલકમાં જંગ જીતે રાતમાં,
એ બુદ્ધ શરણે શુદ્ધ થાતો આગ પશ્ચાતાપમાં,

જ્યાં પ્રાંતપાલક તક્ષશીલાનો સુસિમ ભ્રાતા હતો,
યૂનાનનાં વિદ્રોહ સામે સુસ્ત એ ધાતા હતો,
ત્યાં બિંદુસારે કે'ણ દીધાં લે સુકાની હાથમાં,
એ બુદ્ધ શરણે શુદ્ધ થાતો આગ પશ્ચાતાપમાં,

બદલાવનું કારણ બન્યું જે જુદ્ધ કલ્લિંગ માં થયું,
વૈરાગનું એ દીપ ત્યારે શાંતિ નામે મન જલ્યું,
સંહાર નરનો જોઈ અઢળક જાત રાખી પાપમાં,
એ બુદ્ધ શરણે શુદ્ધ થાતો આગ પશ્ચાતાપમાં,

તલવાર ત્યાગી હાથમાંથી બૌદ્ધ ધરમી એ બન્યો,
સંતો ચરણમાં જ્ઞાન લઈને ધર્મ પંથે જઈ નમ્યો,
નેપાળ લંકા ને યુનાને બૌદ્ધ જેની વાતમાં,
એ બુદ્ધ શરણે શુદ્ધ થાતો આગ પશ્ચાતાપમાં.


*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

*માહિતી સંકલન :- ભાવિન દેસાઈ 'અકલ્પિત' #સૌજન્ય:- ગૂગલ વિકિપીડિયા*

No comments:

Post a Comment