Tuesday, 7 November 2017

ગીત

મારી મધુર ભૂમિ ગુજરાતી.
-------------------
  નસ નસ માં છે હરતી ફરતી , રોમ રોમમાં લહેરાતી .
અમૃતના રસ જેવી મીઠી ,મારી મધુર ભૂમિ ગુજરાતી.

ગિરનારની આ ઊંચી ધજાઓ ,જાણે ગૌરવ લહેરાવે ,
સાબરમતી, તાપી ,નર્મદા ,અમૃત ર સને છલકાવે ,
શ્વાસ શ્વાસમાં પુષ્પ પુષ્પ થઇ ,પાલવમાં એ મહેકાતી ,
અમૃતના રસ જેવી મીઠી ,મારી મધુર ભૂમિ ગુજરાતી.

ગુજરાતણ છે જાણે રાધા ,ગુજરાતી લાગે ઘનશ્યામ ,
હૈયાંની બંસી પર ગાતા ,પ્રેમના ગીત ગામે ગામ,
પ્રેમમગ્ન કંઇ બાગ બગીચા ,ખુશ્બૂ છે કંઇ મદમાતી,
અમૃતના રસ જેવી મીઠી ,મારી મધુર ભૂમિ ગુજરાતી.

ગદ્ય - પદ્યને ગીત - ગઝલ કંઇ ,ભાવક મનને બહેલાવે,
શબ્દ પુષ્પના કામણ દ્વારા ,રસતૃષાને છિપાવે ,
ભાત અનોખી જગભાષામાં , મ્હેંક મ્હેંક કંઇ ગુજરાતી ,
અમૃતના રસ જેવી મીઠી ,મારી મધુર ભૂમિ ગુજરાતી.

સરદાર ,ગાંધીબાપુ ગુર્જર , નર્મદ,ઘાયલ ,નરસિંહ ગુર્જર ,
સુનિતા ગુર્જર , પાર્થિવ ગુર્જર ,હેમુ ,દયાનંદ એ પણ ગુર્જર ,
ધન્ય 'ધમલ'આ ગુજરાતીને ,જોઇ ફૂલે ગજ ગજ છાતી ,
અમૃતના રસ જેવી મીઠી ,મારી મધુર ભૂમિ ગુજરાતી.
    
         -   દેવેન્દ્ર ધમલ

No comments:

Post a Comment