Monday, 14 August 2017

ગઝલ

પ્યાસમાં ચકચૂર રાખ્યો છે મને,
કેટલો મજબૂર રાખ્યો છે મને.

પાસ આવું તો મને રોકે નહીં,
એટલો મેં દૂર રાખ્યો છે મને.

ખાલીપો ભરવા કોઈ સક્ષમ ન હો,
એમ તેં ભરપૂર રાખ્યો છે મને.

છાંવ પડછાયાને પણ ખૂટે નહીં,
આભ સમ ઘેઘૂર રાખ્યો છે મને.

જોડું છું ખુદને,તરત તૂટ્યા પછી,
ઓ સમય ! તેં ક્રૂર રાખ્યો છે મને.

જેમને પૂરો પરિચય છે જ નહિ,
એમણે મશહૂર રાખ્યો છે મને.
-જિ.ફ.

No comments:

Post a Comment