Friday, 11 August 2017

ગીત

*કાવ્યરસ:-*

આજે આ વરસાદી સવારે માણીએ
આ ચોમાસાનું સુંદર ગીત.

*"રાનમાં "*

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં,
વાડ પરે સૂતેલી સઘળી લીલાશ
હવે નીતરતી થાશે મેદાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં...

ઊંચેથી આરપાર સરતું આકાશ હવે
ઊતરશે ધોધમાર હેઠું,
ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશાઓ કે
ચોમાસું ધારદાર બેઠું,

કાલ સુધી રહેતા'તા આપણે ને
કાલથી તો વાછંટો રહેશે મકાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં...

આપણને થાય એવું વાદળને થાય
એવું ઝરણાંને થાય એવું ઘાસને,
આવી ઘટનામાં જે ડુંગરને થાય,
થાય નેવેથી દડદડતા ગામને,

તમનેય થાય ચાલ ટહુકો થઈ જાઉં
અને ઝાડ તળે ગહેકુ રે પાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં...

-ધ્રુવ ભટ્ટ

No comments:

Post a Comment