Tuesday, 22 August 2017

9 તરહી ગઝલ

ઝૂંપડીમાં પેટની ટળવળ મળે!
આમળાતા આંતડાનું  દળ મળે!

હાંડલા કૂસ્તી કરે ठन  ठन  बजे!
ને દિલાસા નામના પોકળ મળે!

પણ ખુમારી છે છલોછલ અંતરે,
ને મુખે તો એક પણ ના સળ મળે!

જીભ પર કોઈ  કશી  ફરિયાદ નૈ,
ના ફિકર કરવી કે શું આગળ મળે!

સોંસરા ઉતરે કસોટીથી  પરે,
જીવવાની કોઇ તો, અટકળ મળે!

કર્મયોગી શું  સહજ જીવ્યે  જવું,
આવશે શામળ ભલે ભૂ  તળ મળે!

સાવ  શ્રધ્ધાથી  બધું  વેંઢારતી,
એ ગરીબી નૂરથી  ઝળહળ મળે!

--------------હેમા ઠક્કર "મસ્ત "     22-8-17

પ્રેમભીના સળ મળે.
-------------------
એક અફવા ગામમાં પળ પળ મળે.
રોજ રાતે ફૂલને ઝાકળ મળે.

હું ય થઇ જાઉં ગળાની હેડકી ,
યાદની એકાદ એવી પળ મળે.

કેટલી સુંદર અહીં કાળાશ છે ,
આંખમાં એની ભલા કાજળ મળે.

એમની કાતિલ અદાની વાત હો ,
રેશમી ઝૂલ્ફો તણાં આ વળ મળે.

શ્વાસમાં  શ્વાસો પરોવી સાંભળો ,
પ્રેમનું ઝરણું  ભલા ખળ -ખળ મળે.

આમ તો પાક્કો ભરોસો છે છતાં ,
હા કે ના માં કેટલી અટકળ મળે.

જો 'ધમલ'નીચી નજર તો થઇ ગઇ ,
પોપચે કંઇ પ્રેમભીના સળ મળે.
             
            -  દેવેન્દ્ર ધમલ
ગઝલ

   જિંદગીને ખોલવાની કળ મળે,
   બારણે અટકેલ કોઇ પળ મળે.

   પારદર્શિતા સ્મરણમાં હોય તો,
   જીવવા બળ શ્વાસને હરપળ મળે.

   ભીતરી સદ્ભાવના છે અેટલી,
   દીપ જેવી ભાવના ઝળહળ મળે.

   સગપણોમાં અવતરણ મૂકી શકું,
   પ્રેમથી જો તરબતર કાગળ મળે.
  
   દૃશ્ય અાખું ગુલમહોરી થૈ જશે,
   અાંખને વૈશાખના અંજળ મળે !

   ખૂબ ચીવટથી રહી સંકેલતી,
   અે છતાં કાં લાગણીમાં સળ મળે ?

   અે ખુશીથી ઉછળે છે અેટલે,
   કોઇ ઝરણાંમાં નહીં ખળભળ મળે.

   જિજ્ઞા ત્રિવેદી

એ પ્રણયની રીત કે ત્યાં વળ મળે,
હેત કેરા વ્હાલતે ખળખળ મળે.

ખોલવા તાળા હવે આ  ભાગ્યના ,
જો મહેનત નામની એ કળ મળે.

ચાલવું જો આ જમાના સાથ તો,
સાથ તારો ખૂદનો બેપળ મળે.

લાવ તારો હાથ મારા હાથમાં,
નામ તારું હોઈ તે કાગળ મળે.

આ તરસ આંખો વધી ગઈ આમતો..
આંખમાં એવા જરા અંજળ મળે

કાજલ
કિરણ પિયુષ શાહ

કો'  પ્રણયમાં કાયમી નિષ્ફળ મળે !
એનું કિસ્મત થોડું ત્યાં નિર્બળ મળે !

આજીવન બીજું ઘણું  મળતું રહે!
પ્રેમની તો માંડ થોડી પળ મળે!

બસ, બધું કેવું તરત બદલાય છે ,
જ્યાં હતું જળ, સ્થળ હવે નિર્જળ મળે !

ચાલનારું સાથે ના કોઈ મળે,
કોઈ આગળ યા કોઈ પાછળ મળે !

રાહ સૌ વરસાદની જોતાં   ને ત્યાં
જળ વગરનું ખાલીખમ વાદળ મળે !

- હેમંત મદ્રાસી

સાથ તારાં જીવવાની પળ મળે,
આ હૃદયને તો સહેજે કળ મળે.

વીતતી હો આજ હરપળ પીડમાં,
કાલ સાથે ભીંજવા વાદળ મળે.

હું લખું છું સ્નેહથી જોને પિયૂ,
આજ ઈચ્છું તુજ મને બેપળ મળે.

બાંધ તારી સાથ મુજને તાંતણે,
એક એવો સ્નેહ નો તો વળ મળે.

આજ  "ક્રિતી" આંખ તો અવિરત ઝરે,
કોક દી પ્રિયે તણો કાગળ મળે.

-કીર્તિ રાઠોડ

આજની  તરહી રચના....

હું લખુ કે તું લખે એકાંતને,
સાવ કોરો  એક બસ કાગળ મળે.

અશ્રુમાં અક્ષર બધા ડૂબી  ગયા,
ફેર શું ઝાકળ મળે, વાદળ મળે.

બેવફા કર તું મને સાબિત ભલા,
છોડવાનું એક તો કારણ મળે.

સ્પર્શ તારો પામવા પકડી મે જે,
એ હથેળીમાં કદી સાંકળ મળે?

ટેરવે હું  સ્પર્શ તારો સાચવું,
કે હથેળીમાં જરા ઝળહળ મળે.

પ્યાસ મારી એ નદી જેવી હતી,
શોધુ સાગરને ને વચ્ચે રણ મળે.

ચીતરી બેઠા તમે શ્રધ્ધા આંખમાં,
તમને લ્યો ઈશ્વર જવી અટકળ મળે.

શૈલેષ પંડ્યા... 22/8/17

જીવવા માટે ભલેને પળ મળે,
એમ જાદુથી ભરેલી કળ મળે.

લાવ ચિતરું હાથમાં રેખા ફરી,
ને લલાટે ભાગ્ય ઉજળું ઝળહળે.

કેમ ખાલીખમ રહે મન-આંગણું,
ઉંબરે આવ્યા પછી કારણ મળે.

આવ એકા'દિ વરસતી સાંજ તું ,
એમ ભવ ભવનું પછી વળગણ મળે.

એક જટકે મુળ સમી ઉખડી જતી,
લાગણી પણ જો અહીં પોકળ મળે.

ડો. અયના ત્રિવેદી
અયુ
22/8/17 તરહી.
[
આજની તરહી

શોધવાને માહ્યલાને પળ મળે
ભીતરે કૈં જાગતી ઝળહળ મળે

આખરી ઓસાણ આવ્યું જાતનું
ને પછી ચિક્કાર ઘટનું તળ મળે

મૌનનો લઇ આશરો મીઠપ ભરી
અંતરે શબ્દો ઘણા સેંજળ મળે

રોટલીમાં ભાત કાળી જો પડી
કેટલા દામનમાં ખારા જળ મળે

પારખા કરવા જગતના નાથના
લો પણે નરસિંહને કાજળ મળે

રાગ કેદારો મૂકી ગિરવે અહો
કેટલા વિશ્વાસથી નિશ્ચળ મળે

સરલા સુતરિયા
તા:- ૨૨ - ૦૮ - ૨૦૧૭

No comments:

Post a Comment