એક ઉંબર ઓળંગ્યાનું આળ લઇને આવી છું,
આજ મારા કાનજીની ભાળ લઇને આવી છું,
જુઓ આ કાનજી મારી પાસ જ બેઠા છે,
માખણથી કાનજીના આ કરકમળ એંઠા છે,
ઝૂલે કાનજી સંગે એ પરસાળ લઇને આવી છું,
એક ઉંબર ઓળંગ્યાનું આળલઇને આવી છું,
કાનજી સંગે સંગે મુજ જુઓ આ ચાલે છે,
ચાલતા ચાલતા કરકમળથી હાથ ઝાલે છે,
એ સીધા ચઢાણ,એ જ ઢાળ લઇને આવી છું,
એક ઉંબર ઓળંગ્યાનું આળ લઇને આવી છું.
એક ડગલું જ બસ કાનજીથી છેટું રહી જાય,
ચાલતા ચાલતા એમ યુગોના યુગો વહી જાય,
મળશે કાનજી હવે હરણફાળ લઇને આવી છું,
એક ઉંબર ઓળંગ્યાનું આળ લઇને આવી છું.
કાનજીનું નગર ને આ કાનજીની ગલી છે.
જીંદગીની મારી આજ એમાં સાંજ ઢલી છે,
સાથ કંકુ, અક્ષત, વરમાળ લઇને આવી છું,
એક ઉંબર ઓળંગ્યાનું આળ લઇને આવી છું,
બેડલું મારું હવે મારા કાનજીને પાણીયારે,
ફોડશેે એ કંકરથી હવે કાનજી જ્યારે ધારે,
સાથ હવે ન કોઇ ગર્ભનાળ લઇને આવી છું,
એક ઉંબર ઓળંગ્યાનું આળ લઇને આવી છું.
-લતા ભટ્ટ
No comments:
Post a Comment