આ ને કહેવાય ચૂંટણીના ચાબખા ! ! ! કૃષ્ણ દવે
ઉઠ્ઠા ભણાવે છે ઉઠ્ઠા !!!
પાંચ પાંચ વરસથી પાણી પીવડાવીએ ને તોય સાલા બુઠ્ઠા ઈ બુઠ્ઠા .
ઉઠ્ઠા ભણાવે છે ઉઠ્ઠા !!!
અમને તો એમ કે આ ડાળખાંને રોપીએ તે કોક દિવસ કોળી તો જાશે
અમને શું ખ્યાલ કે આ આખ્ખીએ ઘટનામાં માટીને મુંજારો થાશે ?
પોતે બળેલાઓ બીજાને ય બળે ને છાયડો શું દેતા તા ઠુંઠા ?
ઉઠ્ઠા ભણાવે છે ઉઠ્ઠા !!!
નવા નક્કોર ઘણા ટાઈટલ જોયા તે થયું આમાંથી કોક ગીત ગાશું
અમને શું ખ્યાલ કે આ સહકારી સ્ટોરમાંય ધોળે દિ છેતરાઈ જાશું !
અંદરતો ઈ ની ઈ ચોપડીયું ભાઈ ખાલી પૂંઠા બદલાવ્યા છે પૂંઠા .
ઉઠ્ઠા ભણાવે છે ઉઠ્ઠા !!!
અમને તો એમ કે આ રાહતનો માલ છે તે બધ્ધાને સરખો વ્હેચાશે
અમને શું ખ્યાલ કે આ ફાઈવસ્ટાર બંગલામાં પ્હેલવેલો તંબુ ખેચાશે
ક્યે છે કે પેલ્લાના ચપટીક ભરતા તા તો આ તો ભારે છે સીધા મૂઠા .
ઉઠ્ઠા ભણાવે છે ઉઠ્ઠા !!!
કૃષ્ણ દવે .
No comments:
Post a Comment