કોઈ શિલ્પીના હાથે જ્યારે કંડારાય છે પથ્થર,
કરી ધારણ પ્રભુનું રૂપ ને પૂજાય છે પથ્થર.
પ્રણયગાથા બની ઝળકી રહ્યો છે તાજ આરસનો,
જમુનાના કિનારે ગીત જાણે ગાય છે પથ્થર.
ગગનચુંબી ઈમારત એટલે ઊભી છે ઉન્નત થઈ,
બની પાયો ધરા માંહે દફન થઈ જાય છે પથ્થર.
મરેલા માનવીના દેહ ઢાંકી હૂંફ આપે છે,
પછી પથ્થર મટી જઈને કબર કહેવાય છે પથ્થર.
ભલા ! પથ્થરને પગ ક્યાં છે કે ઠોકર કોઈને મારે,
ખરું પૂછો તો ઠોકર માનવીની ખાય છે પથ્થર.
જનારાઓને મંઝિલનો વિસામો ચીંધવા માટે,
સળગતાં તાપમાં ઊભો રહી શકાય છે પથ્થર.
ડૂબી જાવું એ એની પ્રકૃતિ 'આઝાદ' નક્કી છે,
છતાંયે રામના નામે તો તરતો થાય છે પથ્થર.
- - - કુતુબ 'આઝાદ'
Thursday, 15 March 2018
ગઝલ
Labels:
કુતુબ આઝાદ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment