Tuesday, 20 March 2018

ગઝલ

પ્રથમ પંક્તિ સૌજન્ય શ્રી Niranjan Yagnik સર.

*                              *                               *

કંઇક    બોલો   સંતજી   હોવાપણાનું શું કરું ?
શ્વાસના     ભૂલા    પડેલા    કાફલાનું શું કરું ?

કેમ  અટકાવું  હું ખરતા જીર્ણ ગઢના કાંગરા ?
દુર્ગમાં      દાટી    દીધેલી   ભવ્યતાનું શું કરું ?

આ  નદી  અશ્રુમતીનું   પૂર   ખાળું  તો  પછી,
લોહીના    કાંઠે     વસેલા    ગામડાનું શું કરું ?

ટેરવાંથી  થાય છે  ક્યાં  વ્યક્ત આ  સંવેદના !
જન્મથી   બહેરી  અને  મૂંગી ત્વચાનું શું કરું ?

આમ  તો ક્ષણમાં  ઉખેડી દઉં મને  હું મૂળથી,
પણ  હવે   આ  વિસ્તરેલા  છાંયડાનું શું કરું ?

શું લખું મારા અને આ શબ્દના અંજળ વિશે ?
અંત   છે   આરંભમાં   એવી   કથાનું શું કરું ?

                       - બાબુલાલ ચાવડા 'આતુર'

No comments:

Post a Comment