Thursday, 15 March 2018

છંદ

*છંદ : ત્રિભંગી*

શોભે વેણુ અધર, આંગળી ગિરધર, પંખ મયૂર સર, ગોકુળિયા,
બિરાજે ભુજગ પર, એવાં શ્રીધર, મુખડે સુંદર, શામળિયા,
પરમો પરમાત્મા, હે ભૂતાત્મા, હે પૂતાત્મા, નમોનમ:,
જય જય સુખકારી, ચક્કર ધારી, જય મોરારી, નમોનમઃ....
જી રે જય મોરારી નમોનમ:●

ભવનાં ભવ તારે, ગૌધન ચારે, કાલિય વારે, મધુસૂદન,
એ રાસ રચાવે, ધૂમ મચાવે, પ્રેમ જગાવે, વનરાવન,
ઓ મિત્ર સુદામા, ઈશ્વર રામા, હે ઘનશ્યામા, નમોનમ:,
જય જય સુખકારી, ચક્કર ધારી, જય મોરારી, નમોનમઃ....
જી રે જય મોરારી નમોનમ:●

ફૂલોમાં હસતાં, બાળક વસતાં, જામા લસતાં, દામોદર,
કંઠે રે માળા, કાન્હા કાળા, ગોકુળ વાળા, મુરલીધર,
વંદે સર્વેશ્વર, વંદે ઈશ્વર, વંદે હરિવર, નમોનમ:,
જય જય સુખકારી, ચક્કર ધારી, જય મોરારી, નમોનમઃ....
જી રે જય મોરારી નમોનમ:●


*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment