Thursday, 15 March 2018

ગઝલ

હમણાં અમે લીલાશની વચ્ચે ઊભાં છીએ
કારણ વગર આ ઘાસની વચ્ચે ઊભાં છીએ

લો,આમ બંધાયા નહીં કે મુક્ત પણ નહીં
તો પણ હજી ક્યા પાશની વચ્ચે ઊભાં છીએ?

દીવાસળી  चांपी  દીધી  છે  કોઈએ  અને
અફવાઓના પોટાશની વચ્ચે ઊભાં છીએ

ચીસો પડે છે ,કોઈ  સાંભળતું  નથી કશું
કઈ રીતની બહેરાશની વચ્ચે ઊભાં છીએ?

જીવન  રહ્યું  તો  એક-બે  વિડંબના રહી
સહુ ત્રાસદાયક આશની વચ્ચે ઊભાં છીએ

માટીની માફક સુગંધાઈ રહ્યા છે શબ્દ સૌ
ને આપણે ભીનાશની વચ્ચે ઊભાં છીએ

ઊભાં છીએ તો ફક્ત દરિયા જેમ ઘુઘવતા
ખારાશ ને કડવાશની વચ્ચે ઊભાં છીએ

            - ભરત ભટ્ટ

No comments:

Post a Comment