Tuesday, 12 June 2018

ગઝલ

ખુશીને આવકારું છું; દુ:ખોને પણ સ્વીકારું છું,
હવે ઉપદેશનાં ગ્રંથોનું કરવું શું ! વિચારૂં છું.

ઘણા તો એ નજાકતથી મને માથે ચડાવે છે !
મને પણ એમ લાગે છે કે માણસ નહિ તગારું છું !

અહમ બ્રહ્મા,શિવોહમ એ બધી તો વારતાઓ છે!
હું તો બસ બાએ હાથેથી પુરેલું કીડીયારૂં છું.

પ્રભૂને એક બે વેળા કદી અજમાવ્યો'તો પ્હેલાં !
પછીથી હું મદદ માટે મને ખુદને પુકારું છું.

નથી રહેવાસી અહિંનો હું નથી વસવાટ કાયમનો !
ઉતારૂં કઈ રીતે સામાન ? હું તો ફક્ત ઉતારુ છું.

-- ડૉ.મનોજ જોશી

No comments:

Post a Comment