અસાધારણ રીતે તમને અકળ લાગું તો કહી દેજો,
સહજતાથી વધુ પડતો સરળ લાગું તો કહી દેજો.
સફળતા સાંપડયાનું ક્યાં કદી સપનુંય આવ્યું છે !
છતાં ભૂલેચૂકે પણ હું સફળ લાગું તો કહી દેજો.
યુગો પહેલાં જ થઈને ધ્વસ્ત વિખરાઈ ચૂકેલો છું,
ઊભો છું એટલા પરથી અચળ લાગું તો કહી દેજો.
સરોવરનાં મને જળ ભીંજવી શકતાં નથી કિન્તુ,
હું કોરો હોઉં ને તેથી કમળ લાગું તો કહી દેજો.
મને હું છીછરું ખાબોચિયું માનીને બેઠો છું,
કદી જો કોઈને સાગર અતળ લાગું તો કહી દેજો.
- બાબુલાલ ચાવડા 'આતુર'
મનને મનાવવાના રસ્તા બીજા ઘણા છે,
તમને ભુલાવવાના રસ્તા બીજા ઘણા છે.
એવું નથી કે કેવળ અશ્રુ જ છે સહારો,
જીવન ટકાવવાના રસ્તા બીજા ઘણા છે.
કારણ વિના અમસ્તું હસવાનું ખાલી ખાલી ?
જખ્મો છુપાવવાના રસ્તા બીજા ઘણા છે.
આંખો બતાવવાથી ઝૂકશે ન મારું મસ્તક,
મસ્તક ઝુકાવવાના રસ્તા બીજા ઘણા છે.
ધારું તો એક પળમાં એને હું જીતી લઉં પણ,
એને હરાવવાના રસ્તા બીજા ઘણા છે.
- બાબુલાલ ચાવડા 'આતુર'
No comments:
Post a Comment