કેવી રીતે?
લાકડાં ભીનાં બળે કેવી રીતે?
દોસ્ત પાછા પણ વળે કેવી રીતે?
ઝેરનો પ્યાલો ભરી દીધો તમે
એ ગળે તોયે ગળે કેવી રીતે?
જાતને પીસી દઈ બે પડ મહીં
એ દળે તોયે દળે કેવી રીતે?
એષણાની અપ્સરાઓને કહો
ધ્યાનમાં છે એ, ચળે કેવી રીતે?
થોર ચારેકોર ઉગાડયા પછી
આંબો થઇ જઇને ફળે કેવી રીતે?
ભાગ્યમાં દુઃખ દુઃખ અને દુઃખ છે જ તો
કોઇનું ટાળ્યું ટળે કેવી રીતે?
ખૂબ પાણીથી છલોછલ આંખ પણ
ઢાળ ઊંધો છે, ઢળે કેવી રીતે?
પાંપણોના તોરણે મોતી હતાં
તેય ફૂટલાં! ઝળહળે કેવી રીતે?
બારીઓ બાવન, બે દરવાજા હરિ
બંધ રાખ્યા, એ મળે કેવી રીતે?
- હરિ શુક્લ
૦૫ ૦૮-૨૦૧૭ / ૩૦-૦૮-૨૦૧૮
No comments:
Post a Comment