ક્યાં ધરા પર હાથ લઈને સાવ ખાલી મોકલે!
શ્વાસ સાથે કેટલાયે કર્મ બાંધી મોકલે
રાત સાથે ઉંઘ સાથે સ્વપ્ન આપે એ ભલે!
પણ સવારે શક્યતાની ફોજ આખી મોકલે
માંગ પણ પૂરી કરે જાણે વસૂલે વેર એ
ભૂલવા નાનું દરદ મોટી ઉપાધી મોકલે
ક્રષ્નને કહેજો કળાને કર્ણ જેવો શાપ છે
તીર સાથે શૌર્યનું સન્માન રાખી મોકલે
પ્રેમમાં જે કંઈ મળે એ વ્હાલ જેવુ લાગતું
પત્રમાં છોને લખીને એ ઉદાસી મોકલે
હોય સામે તો નજરના તીરથી ઘાયલ કરે
દૂર હો તો યાદ પણ એ ધાર કાઢી મોકલે
ઘાવ જૂના થઈ વળ્યા છે માંડ થોડા ભીંગડા
છે અરજ કે સ્પર્શ સૌ;નખ સ્હેજ કાપી મોકલે
કિરણ 'રોશન'
No comments:
Post a Comment