ઈશ્વર હે ! તું શીદને આપે , આપી આપીને અપૂરતું ?
સપનાની ઉઘલાવું જાન ,ત્યાં આંખે બેસે કમુરતું.
ભર ચોમાસે હું તો કેવો આકુળ વ્યાકુળ થાવ,
ફોરાની આડશમાં મુજને કિરણો કરે છે ઘાવ.
વરસ્યા વિનાનું શીદને કાયમ, વાદળ જાય છે સરતું !
ઈશ્વર હે ! તું શીદને આપે , આપી આપીને અપૂરતું ?
માંગ્યા વિનાનું આપે છે એ વાતનો છે ખ્યાલ.
હક્કનું પણ મુજને આપીને કરતો નથી તું ન્યાલ.
ક્ષણ ક્ષણ બળતી વાટ જાણે કે જીવતર જાય છે ઝુરતું.
ઈશ્વર હે ! તું શીદને આપે , આપી આપીને અપૂરતું ?
મારામાં તું જીવે છે હું તુજને પામું છું રોજ.
તો પણ મારે લેવો પડે છે પ્રશ્ર્નોનો આ બોજ.
મૌનની બારી વાંસી વાંસીને હવે કેટલુંક રહેવું ફરતું ?
ઈશ્વર હે ! તું શીદને આપે , આપી આપીને અપૂરતું ?
~ ગોપાલકુમાર ધકાણ
No comments:
Post a Comment