Tuesday, 23 October 2018

ર, ગીત

મોજ કરી લે - ગીત

સાંઈ ! જગતમાં રૂડોરૂડો અવસર થઈને આવ્યો છે; તો મોજ કરી લે,
ગીત-ગઝલના લીલાલીલાં તોરણ બાંધી લાવ્યો છે; તો મોજ કરી લે.

માઝમ રાતે તમરાંઓના રણઝણતા આ
                તંબૂરેથી ટપકેલો આલાપ પીધો છે,
તારાઓની ફૂલછાબડી ફોરમ સાથે માથે મેલી
                              ગબ્બરગોખે રાસ લીધો છે,
રામરસને રામગરીમાં તામ્રવરણો ઘૂંટીઘૂંટી પાયો છે; તો મોજ કરી લે.

ગઢ ગિરનારી- શગ દાતારી- ચેત મછંદર
                             બોલીને તું અલખ જગા દે,
અલખ ને તારે હાથવેંતનું છેટું છે તો -
                             ચોરે બેસી ચલમ જલા લે,
દામોદરમાં ડૂબકી દઈને રાગ કેદારો ગાયો છે; તો  મોજ કરી લે.
- મુકેશ દવે 

ગીત
ખેતરમાં ઝોક* અને ઘરમાં ઉજાગરા,
સપનાના થોકબંધ ફરકે ધજાગરા.

આંખે નિ:શ્વાસ આંજી ઢોલિયો ઢાળેલો,
વિરહથી લથબથ ધાબળો ઠાંસેલો,
ના પાંપણથી રોકાયા આંસુઓ કહ્યાગરા,
ને સપનાના થોકબંધ ફરકે ધજાગરા.

સીમનું એકાંત આખું ચાંદનીમાં વલખે,
મળે ઝરમર મલકાટ એવી આશાને ભરખે,
કેમ હૈયાના ખૂણલા થાશે હર્યાભર્યા !
જોને ખેતરમાં ઝોક* અને ઘરમાં ઉજાગરા
---- મુકેશ દવે

*ઝોક - ઘેટબકરા સાથે ખેતરમાં રાતવાસો કરવો

No comments:

Post a Comment