🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
કણાની જેમ રિયું ખૂંચે
કણાની જેમ રિયું ખૂંચે,
મોજ ચડે વેપારી લૂંટે,
ખિસ્સેથી ખનખનિયાં ખૂટે.
કણાની જેમ રિયું ખૂંચે.
ગુલાબી કાંટા વગાડે ને રાતરાણી અદેખી રાખીને ધતૂરો મલકતો રાખે.
રોમરોમ વીતે પછી આ રથડો નસીબે અધવચ્ચે ખૂંપે ને નાથ મોય નાખે.
ખેતરમાં આંબાને રોપે ઈ ચૂંસાતો જાય ને શનિયાનો છોરો તડકામાં એકડો ઘૂંટે.
કણાની જેમ રિયું ખૂંચે....
ઘર આખું સાગમટે જાય ઝીંક ઝીલી તોય માંડ આ પેટડીએ થોડુંક ઠેરાય.
ઓલાને અપચો બહુ ઈ થાળીનો, ઉંચેરા મહેલોમાં દોમદોમ ઠીંગરાતો જાય.
રસકસ વિનાની રગતોડ કરે દિન રાત આ પાવડાથી એને તેરવાના તૂટે.
કણાની જેમ રિયું ખૂંચે....
ઊભી બજારમાં થનગનતો થાય અને છરિયુંને ખચખચ હૂલાવી બાયો ચઢાવે.
ભોરીંગિયો ફૂંફવતો મૂંચ્છોમાં લાલ અાંખ ઓકીને ફૂલડાનો હાર છલકાવે.
ઓલો ઉઘાડા વાસામાં સબસબ ઝીલીને પાકેલી ઘાણી સમ ફૂટે.
કણાની જેમ રિયું ખૂંચે....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
No comments:
Post a Comment