કેવડિયાની આડશ લઈને કરતો બહુ પંચાત
ખીલ્યો કેસૂડો મધરાત !
હું તો કેસરીયાળો તું ધોળોધફ આખા અંગે,
અલબેલો છડિદાર બનીને મહોરું મસ્ત વસંતે,
ચંચળ ને મદમસ્ત, સુભાગી, સહેજે ના ગંભીર .
મદન મીજાજી અલબેલાનું હું તો તાતાતીર,
સાવ અનોખી વાત લઈને સાવ જ નોખી જાત ,
ખીલ્યો કેસૂડો મધરાત !
તું અવતરિયો જગને ખુદથી રંગવાની લૈ ટેક,
મારે યુગલ પર શિવના આશિષ દેવાની નેક !
તું છોરાને કરતો રતિકલા શીખવા ઉત્સાહી
છોરી કેવડાત્રીજે બનતી નિર્જળિયા ઉપવાસી,
હું ને તુંનો યોગ મધુરો ભવભવની મીરાંત !
ખીલ્યો કેસૂડો મધરાત !
એક રાશિનાં આપણ બેઉ નોખીનોખી ભાત
હું હીમરંગી , તેં રંગાવી પાવકરંગી જાત !
પાન વછોયા વૃક્ષે ખીલી વગડે સરજી આગ ,
લીલાછમ પર્ણો વચ્ચે રહી મેં શોભાવ્યો બાગ !
એકમેકના રજવાડામાં બંનેની ઠકરાત !
ખીલ્યો કેસૂડો મધરાત !
નેહા પુરોહિત
(૧૬/૩/૧૯)
No comments:
Post a Comment