Sunday, 10 March 2019

ગઝલ

ટેરવા જો હોત આંખ્યું તો હું વરસી જાત અનરાધાર કાગળમાં,
શબ્દનાં આ વાદળા વરસાવી કેટલો ઉતારુ ભાર કાગળમાં.

એકલો અજવાસ ક્યાંથી જીલશે આ કાચની ફૂટેલ કોડીઓ,
એટલે છાના કોઈ ખુણે સાચવી રાખ્યો છે મે અંધાર કાગળમાં.

અક્ષરોના તાર ને વીણા સ્મરણની રણઝણે છે કલમમાં એમ,
જાણે કોઈ મૌનમાં ગાઈ રહ્યું છે આજે તો મલ્હાર કાગળમાં.

અર્થની જળહળ ને લોબાન શબ્દોના મ્હેંકાવે મારી હસ્તિને,
એક  સાથે લ્યો મળી ગયાં અમને જાણે દત્ત ને આ દાતાર કાગળમાં.

ભાંગતી આ રાતનો કેદાર ને કરતાલની તા તા થૈ  સાથે,
લૈ કલમનો દીવડો આ સત ભરીને બેઠું છે દરબાર કાગળમાં.

ડર શું રાખીએ હવે મૃત્યુંનાં હાથોની મદિરા પીવાનો સાકી,
હોઠ જયાં એંઠા કર્યા છે અર્થના અમૃતથી મે ચિક્કાર કાગળમાં.

મેં અઢી અક્ષરનાં ચોમાસામાં આંસુનું શિવલીંગ સ્થાપ્યું છે,
એ હૃદય ભીના થશે જે આંસુનો સમજી શકે છે સાર કાગળમાં.

💐શૈલેષ પંડ્યા💐

     🌹નિશેષ 🌹

No comments:

Post a Comment