Thursday, 21 March 2019

ગીત

ગીત
તારો અડકયો શું  લાલ લાલ ગાલ
સાજન મારે રોમ રોમ ફૂટ્યો ગુલાલ

છમ છમ છમ છમ જોને મારાં , રણકયાં ઝાઝરીયાં
ને  કમખામાં  ફાગણ  લ્હેરાય
ઓઢણીમાં  મોરલાઓ ગ્હેકેં છે તાનમાં ને
હૈયું   તો   ફાટફાટ  થાય
વાસંતી વાયરાની લ્હેરખીનો કેફ વળી
ભીતર  મચાવે  ધમાલ ---
      સાજન મારે રોમ રોમ ફૂટ્યો ગુલાલ
મેઘધનુ જેવો તું  રેલાયો  મારામાં
લઈ સાત સાત  રંગોની  ટોળી
તારાં નયનનો ઘેરાતો રંગ પૂછે-
કેવી  છે  સ્પર્શની  આ  હોળી ?
હું તો શરમાતી, ભીંજાતી,ન્હાતી ને ગાતી રહી
ભર ભર ભર   ભરવાને  વ્હાલ -
         સાજન મારે રોમ રોમ ફૂટ્યો ગુલાલ
રાધા એ ખેલી'તી, મીરાં એ ખેલી'તી
કરવાં  હયાતીની  હોળી
ઝેરનો ય રંગ ત્યાં ફીકો પડ્યો કે પછી
પ્રેમનાં જ્યાં રંગ રંગી ભોળી
ભવભવથી ભીંજાતા રહેવાને ઓરતે
થૈ ગઈ તુજ સ્પર્શે હું ન્યાલ --
               સાજન મારે રોમ રોમ ફૂટ્યો ગુલાલ
   કવયિત્રી---પ્રજ્ઞા વશી,  તા - ૨૨- ૩ -૧૯

No comments:

Post a Comment