Monday, 11 March 2019

ગીત

હજુ – સંજુ વાળા 

હજુ  પ્રભાતી  સ્વર  ઉઘડતા  તુલસીક્યારો સીંચી
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી

હજુ  પવનમાં  ભેજ  વહે છે,  હજુ ઢાળ છે લીલા
હજુ  ઋતુઓ   વળાંક   લઈને  છેડે   કંઠ  સુરીલા
હજુ  કોઈ  માળામાં  પ્રગટે  પહેલવહેલું  ચી.. .ચી..
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી

હજુ  ક્યાંક  આથમતી  વેળે  બેસી  બે-ત્રણ વૃદ્ધા
હજુ  વિગતના સ્વાદ ચગળતી ખખડધજ  સમૃદ્ધા
હજુ  વયસ્કા   પુત્રી  ઉત્તર   વાળે   નઝરે   નીચી
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી

હજુ  નદીના  કાંઠે  કોઈ  કૂબામાં  ગાતી  મુનિયા
હજુ ય  ચાંદા  મામા  કહીને  મા  દેખાડે  દુનિયા
હજુ ય  નવતર  રંગ  પકડવા  તું પકડે  છે  પીંછી
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી

No comments:

Post a Comment