Saturday, 11 April 2020

ગઝલ

દસે દિશાઓ સંકેલીને પગ નિર્ભય થવા લાગે,
હરણની આંખ વચ્ચેથી તરસનો ક્ષય થવા લાગે.

ને ઈચ્છાઓને પણ ત્યારે જ મળશે મોક્ષ કે જ્યારે,
સ્વયં પર રાખી સંયમ ખુદ સ્વયંનો જય થવા લાગે.

સ્મરણ નામે નિરંતર મેં ક્ષણોને સાચવી રાખી,
ક્ષણો સરકી જતાં, નક્કી સ્મરણની વય થવાં લાગે.

વમળમાંથી બચાવી લાંગરી નૌકા કિનારે, તો,
ગળી જઈ એને આખી, રેત પણ નિર્દય થવા લાગે.

અકારણ ને અછડતો જે થયેલો એ અજંપો લઈ,
અચાનક ટેરવાં પર સ્પર્શ પણ અક્ષય થવા લાગે.

રહ્યા દ્વિધામાં મારાં પ્રશ્નનાં ઉત્તર, અનુત્તર ત્યાં,
અનિર્ણિત પળનો હરપળ એ પછી નિર્ણય થવા લાગે.

પૂર્ણિમા ભટ્ટ

No comments:

Post a Comment