Saturday, 11 April 2020

ગઝલ

એ જ જીવન અને મૃત્યુનો સાર છે,
સુખને માણું ‌ છું ને દુઃખનો સ્વીકાર છે.

કોણ કહે છે કે કાંટા જ ખૂંખાર છે,
આ હૃદય પર હજી પુષ્પનો ભાર છે.

છો ને શબ્દો તમારા અણીદાર ‌છે,
મારા બે હાથ જોડી નમસ્કાર છે.

પૂર્ણતાને ન પામી શક્યો, ઓ ખુદા,
પણ મળ્યું જેટલું, સઘળું હદપાર છે.

સાવ જાહોજલાલીમાં ગ્યું બાળપણ,
પણ સમજનો નવો એક વિસ્તાર છે.

સુખ લઈને ઉભા છે પ્રભુ રાહમાં,
પણ તને નડતો તારો અહંકાર છે.

આંખમાં રમતું એક દ્રશ્ય પૂછે છે કે,
આંખથી આંખની કેમ તકરાર છે?

દિલીપ ચાવડા‌ 'દિલુ' સુરત

No comments:

Post a Comment