અંતે મારા - તારા વચ્ચે ગાંઠ પડી ગઈ,
જાણે જળની ધારા વચ્ચે ગાંઠ પડી ગઈ.
ચાંદો - સૂરજ રમતાં - રમતાં કંઈક થયું ને,
અજવાળા - અંધારા વચ્ચે ગાંઠ પડી ગઈ.
કોણે આ અધવચ્ચે એવા મારગ ચીંધ્યા!
ભવભવના સથવારા વચ્ચે ગાંઠ પડી ગઈ.
એક જ ક્ષણ ઓચિંતી એવી ઊભી રહી કે,
આખ્ખાયે જનમારા વચ્ચે ગાંઠ પડી ગઈ.
ક્યાંથી આવ્યાં દૃષ્ટિ સામે આવાં દૃશ્યો!
છાતીના ધબકારા વચ્ચે ગાંઠ પડી ગઈ.
એવી માંડી મીટ કોઈની સૂની વાટે,
પાંપણ ને પલકારા વચ્ચે ગાંઠ પડી ગઈ.
રાખ રહી ગઈ ઉષ્માના અવશેષ સ્વરૂપે,
આગ અને અંગારા વચ્ચે ગાંઠ પડી ગઈ.
- બાબુલાલ ચાવડા 'આતુર'
No comments:
Post a Comment