શું મજા આવે?
રહી કિનારે ડૂબવાની શું મજા આવે? કહો!
પ્હોંચી ટોચે કૂદવાની શું મજા આવે? કહો!
છે ખરો નિર્દોષ પણ પૂરવાર કરવું શી રીતે?
સાખ ખોટી આપવાની શું મજા આવે? કહો!
કેટલા સારા અને નરસા પ્રસંગો ભોગવી
જે લખ્યું એ ભૂંસવાની શું મજા આવે? કહો!
છે ભરેલી ઝાંઝવાં નાં રણ થકી આ જિંદગી!
અમથું અમથું ઝૂઝવાની શું મજા આવે? કહો!
બાળપણ ક્યારેય પાછું આવતું જાણ્યું કદી?
ને જવાની છે જવાની, શું મજા આવે? કહો!
જો કહો રોકાઈ જાઉં કે ન આવું જો કહો!
આવીને પાછા જવાની શું મજા આવે? કહો!
છે ચિતા તૈયાર પણ મિત્રો હજુ આવ્યા નથી!
ઓઢી ખાંપણ સૂઇ જવાની શું મજા આવે? કહો!
હરિહર શુક્લ 'હરિ'
No comments:
Post a Comment