Thursday, 2 April 2020

ગઝલ


ગઝલ

તપ્ત અગ્નિમાં બળેલા રેતકણ ઝળકી ઉઠ્યાં
ના કદી જોયાં , નજરમાં એ જ રણ ઝળકી ઉઠ્યાં

પાળી-પોષીને ઉછેર્યા , જાળવ્યાં , મોટાં કર્યાં
ભાગતી જોઈ પીડાને ,આજ વ્રણ ઝળકી ઉઠ્યાં

ગર્વ આરસમહેલનો  આખર થયો છે ચૂર ચૂર
આંસુ પશ્ચાતાપના જોઈ લીંપણ ઝળકી ઉઠ્યાં

સાત પાતાળો વીંધીને તેજ આવ્યું તાનમાં
મોતી તો ચમકે જ પણ પાણા કઠણ ઝળકી ઉઠ્યાં

ટોડલે  ટહુકયો  ફરીથી  મોરલો  ને  બારશાખે
ચાકળા -તોરણ મહીં જુના ગૂંથણ ઝળકી ઉઠ્યાં

ખુદ પૂરાયો  ને  પછી એનેય  પૂર્યો  કેદમાં
અંતે તો તારી લગન જોઈ જીવણ ઝળકી ઉઠ્યા

- પ્રતાપસિંહ ડાભી 'હાકલ' ૩૧/૩/૨૦૨૦

No comments:

Post a Comment